Sunday 24 June 2018

ગીત

વર્ષાનાં વધામણાં... મિત્રો 😊

મેઘ કરતો ધીંગાણું મધરાતમાં....
મેઘ વરસે છે રજવાડી ઠાઠમાં....

હું તો શમણાંમાં શમણું થઈ હરખી પડી,
પ્રીત જનમોની હૈયેથી છલકી પડી
દર્દ વધતું ગયું ને ઘેન ચડતું ગયું,
પછી આંસુના રેલે હું મલકી પડી
કોઈ ધોધમાર બેઠું'તુ આંખમાં
મેઘ વરસે છે રજવાડી ઠાઠમાં

પીડ ઉપડી'તી અણધારી રાતે સખી,
સાદ વાંસળીના સુર જેમ વાગે સખી,
હું તો સાનભાન ભૂલીને ભીંજાતી ગઈ
જાત ઓગળતી, વેરાતી લાગે સખી
હું તો મોરપીંછ ચીતરું આકાશમાં
મેઘ વરસે છે રજવાડી ઠાઠમાં

મારી આંખોમાં દરિયાએ લીધું'તું ઘર
પછી પાંપણીયે બાઝ્યુ'તું તોફાની જળ
કોઈ તાણી ના જાય મારું ગમતું વહાણ
મેઘ! એથી તો તારોયે લાગે છે ડર
મારું સગપણ છે વરસાદી નાતમાં
મેઘ વરસે છે રજવાડી ઠાઠમાં
..... વર્ષા પ્રજાપતિ ઝરમર

No comments:

Post a Comment