Sunday, 19 April 2020

ગીત

કોરોનાભાઇ !

કોરોનાભાઇ ! વાત સીધી સાદી છે સાવ તોય નથી તમને સમજાતી ?
આ તો છે બાવળ ને લીમડાનો દેશ અને ઉપરથી છપ્પનની છાતી.

એમ તો આ મેલેરિયા,ડેંગ્યુને પૂછી લ્યો કેવુંક ઉપજે છે એનું દેશમાં ?
અહિયાં તો આંગણામાં ડૉક્ટર ઉગે છે ભાઇ તુલસી પપૈયાના વેશમાં

એક વાર આદુ ખાઇ પાછળ પડે ને એની મૂળમાંથી ઉખ્ખેડે જાતી.

કોરોનાભાઇ ! વાત સીધી સાદી છે સાવ તોય નથી તમને સમજાતી ?

આવી ગ્યા છો તો હવે એક બાજુ નીરાંતે બેસો ને માથું ખજવાળો
લ્યો પીવો ચૈતરના લીમડાનો મોર અને દાદીના હાથનો ઉકાળો

અહિયાંની માતા તો જન્મેલા બાળકને ધાવણમાં'ય ઓસડિયા પાતી.

કોરોનાભાઇ ! વાત સીધી સાદી છે સાવ તોય નથી તમને સમજાતી ?

કૃષ્ણ દવે.
તા-૧૭-૪-૨૦૨૦

No comments:

Post a Comment