Sunday 19 April 2020

ગઝલ

ત્યજી શકતો નથી દરિયો કદી દરિયાપણું,
પછી શાને ત્યજે છે તારું તું સારાપણું.

ધખાવીને ધૂણી હું એટલે બેઠો છું અહીં,
મને મળવા નથી આવ્યું હજી મારાપણું.

કમાડે લાભ ને શુભ એ લખી ચાલ્યું જશે,
વિચારો શ્રી સવા જેવું દરદ છે આપણું.

વળોટી ઉંબરો જ્યાં આયનો ઘરમાં ગયો,
અને ચોટી ગયું છે આયખે તારાપણું

બની અજવાસ એ રોશન કરે છે ઝૂંપડી,
દીવાને તો કશું હોતું નથી ખોવાપણું

હજી હું શૂન્યતા વચ્ચે જ જીવું છું છતાં,
નહીં રાખું તને ઈશ્વર કશું કહેવાપણું.

રથીને આટલું સમજાય છે ઓ સારથી,
સળગતી આગ  જેવું છે ભીતર પણ તાપણું.

ચમકતી ભવ્યતાને પાંદડે જોયા પછી,
કશું બાકી નથી આ ઝાડને જોવાપણું.

પ્રકાશી દિવ્યતા ઘેરી વળી છે જાતને
'અદિશ' સાર્થક કરે છે શ્વાસ પણ હોવાપણું.
*અદિશ*

No comments:

Post a Comment