Sunday, 19 April 2020

ગઝલ

### સૂચનો જરૂર કરશો ###

તે તમે છો?

સાંજના રંગોની જાજમ આભમાં આખ્ખાય બિછાવી રહ્યા છો, તે તમે છો?
રાતની તનહાઈઓમાં સૂર રેલાવીને બોલાવી રહ્યા છો, તે તમે છો?

વાંસળી વાગી રહી છે વાંસવનમાં, સાંજના ઝાલર બજે મંદિરમાં, ને
રાતરાણીની સુગંધી પાછલા પહોરે મહેકાવી રહ્યા છો, તે તમે છો?

રાતભર આકાશ શીતળ ચંદ્રની સાખે હતું તારા જડિત, પણ ત્યાં અચાનક
વીજળીના તીરથી વાદળને તાકી ભયને ફેલાવી રહ્યા છો, તે તમે છો?

આંખમાં આંસુનાં તોરણ બાંધીને એકીટશે, ઊભો રહ્યો છું રાહમાં હું
રાહ જોતો કૈંક કલ્પોથી તમારી તે છતાં તાવી રહ્યા છો, તે તમે છો?

આ હું ચાલ્યો ફૂલ ખાંપણ પર સજાવી પાલખીમાં, મિત્રોની ખાંધે ચડીને
ધૂમ્રની સેરોની સાથે વાયરા સાથે વહી આવી રહ્યા છો, તે તમે છો?

હરિહર શુક્લ 'હરિ'
૦૮-૦૬-૧૭ / ૧૭-૦૪-૨૦
છંદ : (ગાલગાગા) × ૬

No comments:

Post a Comment