Sunday, 19 April 2020

ગઝલ

સૂકાં   ભેગું   લીલું   બળશે ખબર કોને હતી એવી!
હૃદયને  મન   સ્વયં  છળશે ખબર કોને હતી એવી!

તરસ  તો ક્યારનીયે  જઈ  ખૂણામાં  શાંત બેઠી છે,
અહીં તૃપ્તિ  જ  ટળવળશે ખબર કોને હતી એવી!

અમે    તો   આંગણે   સત્કારવા  ધાર્યું   હતું  એને,
મરણ  રસ્તે  જતાં  મળશે  ખબર કોને હતી એવી!

અડીખમ પર્વતો જેવા  કદી  આ  નિશ્ચયો સઘળા,
બરફની  જેમ   ઓગળશે  ખબર કોને હતી એવી!

કર્યાં  કંઈ  કેટલાં  તપ  કે  ફળે એકાદ ઈચ્છા  પણ,
અનિચ્છાઓ જ સૌ ફળશે ખબર કોને હતી એવી!

                              - બાબુલાલ ચાવડા 'આતુર'

No comments:

Post a Comment