Sunday 19 November 2017

ગઝલ

*આ અને અથવા ઉપર ઊભાં છીએ,*
*રેતના રસ્તા ઉપર ઊભાં છીએ.*

*કાફિયા  મત્લા ઉપર ઊભાં છીએ,*
*હે ગઝલ,મક્તા ઉપર ઊભાં છીએ.*

*આ સભા પર મંજરી મ્હોરી શકે,*
*શબ્દના ટહુકા ઉપર ઊભા છીએ.*

*લો,કણસ  મૂકી  દીધી નેપથ્યમાં,*
*આ અમે તખ્તા ઉપર ઊભાં છીએ.*

*પગ  નીચે  એ પાટિયું ,નીચે ફલક,*
*નાની શી ઘટના ઉપર ઊભાં છીએ.*

*આપણી અગ્નિ પરીક્ષા થઈ જશે,*
*આપણે  લંકા ઉપર ઊભાં છીએ !*

*આગ ઉપડી છે હ્રદયમાં, જ્યારથી-*
*એક - બે તણખા ઉપર ઊભાં  છીએ.*

*કોઈ  ઠંડું   સ્મિત  રેલાવો   હવે,*
*ક્યારના લાવા ઉપર ઊભાં છીએ.*

*કૈં વિચારો રોજ ચગદી જાય છે,*
*તોય એ પાટા ઉપર ઊભાં છીએ.*

*કોઈ રીતે પણ વહી શકતાં નથી,*
*आंसुना ટીપાં ઉપર ઊભાં છીએ.*

*પૂર્વગ્રહ છોડી બધાં, જુઓ જરા,*
*આપણે ટપકાં ઉપર ઊભાં છીએ.*

*એટલે થોડા ક ઝળહળીએ છીએ,*
*સ્હેજ અજવાળા ઉપર ઊભાં છીએ.*

*એમ ફરીએ જાણે घांचीनो બળદ-*
*ઘાણીએ, ઘાણા ઉપર ઊભાં છીએ.*

*પૃથ્વીના पींडा ઉપર ઊભાં છીએ,*
*બ્રહ્મનાં લટકા ઉપર ઊભાં છીએ.*

*તેજ નહીં તો તેજના અંશો છીએ,*
*તેજ-લિસોટા ઉપર ઊભાં છીએ.*

*સાત  દરિયાઓ પરસ્પર ઘૂઘવે,*
*પાણીના ઢગલા ઉપર ઊભાં છીએ.*

*આપ જળની જેમ ભીતરમાં વહો,*
*ને,અમે कांठा ઉપર ઊભાં છીએ.*

*कांई  દેખાતું  નથી સમજાય છે,*
*ધૂમ્રના રસ્તા ઉપર ઊભાં  છીએ.* 

*બોલીએ તો ક્યાં કશું પીડા વિષે ?*
*કોના ઈશારા ઉપર ઊભાં છીએ.*

*કેટલાં જન્મોથી સાથે લઈ અમે?*
*પોતાની પીડા ઉપર ઊભાં છીએ.* 

*એટલે અટકી કલમ શકતી નથી,* 
*શબ્દની ધારા ઉપર ઊભાં છીએ.*

        _*ભરત ભટ્ટ*_

No comments:

Post a Comment