એની એ હોય નહીં એ સદા ઓર હોય છે,
હું શ્વાસ લઉં છું ત્યારે હવા ઓર હોય છે !
તારી સમીપ જોઈ, પૂછે છે ખુદાઈ પણ,
આ કોણ છે કે જેનો ખુદા ઓર હોય છે !
અખબાર જેમ હોય છે ઘટના અલગ અલગ,
ગઈ કાલની ને આજ વ્યથા ઓર હોય છે !
રહીએ જો દૂર દૂર તો ક્યાંથી ખબર પડે,
બાજુમાં બેસવાની મજા ઓર હોય છે !
સૌ સંકળાયેલાં જ મળે એકમેકથી,
કંઈ આપણા સગાના સગા ઓર હોય છે !
ઈશ્વર કદાચ હોઈ શકે એક આપણો,
સૌ સૌની તે છતાં ય પૂજા ઓર હોય છે !
- ભરત વિંઝુડા સર
No comments:
Post a Comment