Thursday 30 March 2017

અછાંદસ

દર્શન !
હું અને મારી પૌત્રી
પ્રભુ દર્શનની રાહ જોઈને ઊભા હતા,
સ્વામીનારાયણ મંદિરમાં !
સાત વર્ષની મારી લાડોએ પૂછ્યું
'દાદા ભગવાન કયાં છે?'
'બેટા પેલા બંધ દરવાજાની પાછળ !'
મેં કહ્યું !
થોડીવારમાં દ્વાર ખૂલ્યા,
ભક્તો દર્શન માટે ઈશ સમક્ષ જવા લાગ્યા !
હું પણ મારી ક્રિષ્નાની (કૃષ્ણ) આંગળી
પકડી આગળ વધ્યો,દરવાન ઉવાચ્ય :
'સ્ત્રીઓને અહીં થી દર્શન કરવાની મનાઈ છે.
તમારે જવું હોય તો જઈ શકો છો !'
પણ,હું મારા લાડોને છોડીને
કેમ જાઉં ???'
અમે બન્ને દૂરથી નારાયણને જોતા રહ્યા
ક્રિષ્નાનો અવાજ મારા કાનમાં
ભોંકાતો રહ્યો,'દાદા,મને પણ ભગવાનને
બરાબર જોવા છે.ત્યાં આગળ લઈ ચાલોને !'
હું એને કહી ન શક્યો કે બેટા તું સ્ત્રી છે !
તને પ્રભુ સમક્ષ જવાનો અધિકાર નથી !
મને એ પણ ભય હતો કે,એ મને પૂછે કે,
રાધાજી પણ સ્ત્રી છે તો એ કેમ પ્રભુની
બાજુમાં બેઠા છે ???હું શું જવાબ આપું???
ત્યાં તો ઘંટારવ થયો....મારા કાનમાં
પ્રભુ કહેવા લાગ્યા, બેટા !તેં મારી આંગળી
તો પકડી છે....હું તારી સાથેજ છું !
મેં જોયું તો મારી ક્રિષ્ના મંદ મંદ હસતીતી,
મારી સામે એના પરવાળા જેવા હોઠ અને
મધુર હાસ્યમાં મને મારા ઈશ્વરના દર્શન થઇ ગયા !
***
-'કાન્ત'

No comments:

Post a Comment