Thursday 30 March 2017

ગઝલ

એક ગઝલ....અર્પણ તખતાને ...
….પડદો પડી ગયો ...
જાગી ઊઠ્યાં ને જાત પર પડદો પડી ગયો
કાલે  જીવ્યાની વાત પર પડદો પડી ગયો !

પડદો હાલ્યો ને ભીંત પરનું ચિત્ર સળવળ્યું ...
પડદાની એક નિરાંત પર પડદો પડી ગયો !

પરદાનશીન થૈ ગયો  મારી સમક્ષ હું ય
મારી બધી મિરાત પર પડદો પડી ગયો !

પડદો  ખૂલ્યો  ને ગૃહમાં અંધારું થૈ ગયું
પ્રત્યેક જણની જાત પર પડદો પડી ગયો !

પડદો પડ્યો  ને ગૃહમાં અજવાળું થૈ ગયું
ખુરશીની કાયનાત પર પડદો પડી ગયો !

સૂરજ ઊગ્યો ને પાત્ર સૌ સન્મુખ થૈ ગયાં...
પડદો પડ્યાં-શી રાત પર પડદો પડી ગયો !

રીહર્સલોની  જેમ  ના  ઘટના  કશી  બની
નાટકની એક વિસાત પર પડદો પડી ગયો !

........લલિત ત્રિવેદી
....અંદર-બહાર એકાકારમાંથી

No comments:

Post a Comment