Thursday 30 March 2017

ગીત

ઓ કાળી કાળી વાદલડી તું આમ મને તરસાવ નહિ,
મન મુકીને વરસી જા આમ ટીપે ટીપે આવ નહિ .

જાણું છું આ રીત છે તારી તું મને સતાવે છે ,
કરી ગડગડાટી ગગનમાં તું મને બીવડાવે છે
પછી આમ વીજળી ચમકાવી આંખ તું મીચકાર નહિ
મન મૂકી ને વરસી જા આમ ટીપે ટીપે આવ નહિ ..

વરસીસ કે તું નહિ વરસ એ અટકણો અકળાવે છે,
હું ના ભીંજાઉં જયારે ત્યારે જ નીર વરસાવે છે ,
આમ તરસ્યા હૃદયોને તું હવે વધુ તરસાવ નહિ ..
મન મુકીને વરસી જા આમ ટીપે ટીપે આવ નહિ.....

આ વૃક્ષ ને આ વેલીઓ પણ જો તને બોલાવે છે
ચાતક પણ રાહ જોઈ બેઠો ક્યારે વરસાદ લાવે છે ?
થનગનતા આ મોરલિયાને હવે રાહ જોવડાવ નહિ
મન મુકીને વરસી જા આમ ટીપે ટીપે આવ નહિ .

- શબનમ

No comments:

Post a Comment