☘ ગીત ☘
કોમળ કોમળ સૂરજ ખરતો ટેકરીઓના ઢાળે
સોનાવરણી સવાર પહેરી ગામ ચડયું છે ચાળે
ઝાકળભીનું ઘાસ ચુમવા ઓછાયા લંબાતા
સીમ તણાં દરવાજે તોરણ ફોરમના બંધાતા
ગાણાં ઝૂલે માળાં છોડી તરુવર ડાળે ડાળે
સોનાવરણી સવાર પહેરી ગામ ચડયું છે ચાળે
અજવાળા ઓઢીને ખેતર લીલુંછમ મલકાતાં
ધોરિયાના પાણી ખળખળ ગીત હરખના ગાતા
પદરવ રણઝણ તળાવકાંઠે ગાગરને ખંગાળે
સોનાવરણી સવાર પહેરી ગામ ચડયું છે ચાળે
આરે બેઠાં વાન ઉઘલતા ચૂંદલડીની ઓથે
તડકો જાણે રૂપ વહેંચતો સૌને દોંથે દોંથે
હવે કહો સૂરજને એના રથડાં પાછા વાળે
સોનાવરણી સવાર પહેરી ગામ ચડયું છે ચાળે
સલીમ શેખ 'સાલસ'
No comments:
Post a Comment