Friday 24 February 2017

ગઝલ

કોઇ સાથ દેશે એ આશા ફળી!
ઉદાસીએ ઝાલી લીધી આંગળી!

નથી એક સપનું ય સાચું પડ્યું;
રહી લાખ ઈચ્છાઓ પણ પાંગળી!

ગમા-અણગમાની હવે વાત ક્યાં?
હતી જે પીડા એ જ પાછી મળી!

મને આંસુ રસ્તા વચાળે મળ્યાં!
જૂની ઓળખાણો ઘણી નીકળી!

ખુશીને નિહાળી'તી મેં આવતા;
મને જોઇને એ ય પાછી વળી!

નવાં રંગ ને રુપને પામવા,
ઉતારીને ફેંકી દીધી કાંચળી!

નથી કાંઈ ઝાઝું હવે માગવું;
મળે એક પિંછુ અને વાંસળી!

: હિમલ પંડ્યા

No comments:

Post a Comment