Wednesday, 15 April 2020

ગઝલ

પ્રથમ રોજ લડવા - ઝગડવાનું હોય ,
અહીં પ્રેમમાં જેણે પડવાનું હોય

ઉપર એક્ પગથિયું જ ચડવાનું હોય,
પછી બે પગથિયા ઉતરવાનું હોય

પ્રથમ જાતને એ પજવવાનું હોય,
પછી ભીતરે ક્યાંક ઠરવાનું હોય.

સ્વયંને સમર્પિત કરવાનું હોય,
ન બનવાનું ક્યારેક બનવાનું હોય.

લખીને ભૂંસી પાછું લખવાનું હોય,
પ્રથમ નિજની આંખે ઉકલવાનું હોય.

ઘુંટણ સુધી આવી જતાં બેઉ પગ,
આ ઠંડીમાં એવું થથરવાનું હોય.

કશું આપણી બે ય વચ્ચે નથી,
અને હોય છે તે સમજવાનું હોય

છૂટીને ય છૂટી શકાતું નથી,
ન મળવાનું જાણે કે મળવાનું હોય.

તમોને જે દુખ્યાં કરે છે ભીતર,
એ મારામાં આવી વિકસવાનું હોય.
-sneha Patel.

No comments:

Post a Comment