Thursday, 21 May 2020

ગઝલ

લગાગાગા લગાગાગા લગાગા

સપન જે આંખમાં વાવી ગયા છે,
હૃદયને એ હવે ફાવી ગયા છે.

અવિરત આવતા હુંપદના મોજા,
અડગ દરિયાને સરકાવી ગયા છે.

તમારા શબ્દના હળવા ટકોરા,
પ્રણયના દ્વાર ખખડાવી ગયા છે.

અધર્મીઓ ધરમ પર ત્રાટકીને,
મહાભારતને સર્જાવી ગયા છે.

ભવોભવથી તમારી ચાહના છે,
આ જન્મે એટલે આવી ગયા છે.

-- દિલીપ ચાવડા 'દિલુ' સુરત

Sunday, 10 May 2020

ગઝલ

તડકાને ઈસ્ત્રી કરવામાં સાંજ પડી ગઈ
મોં માગ્યાં મોતે મરવામાં સાંજ પડી ગઈ

પાણી પાણી પાણીની ઝંખાઓ જાગી
ચિતરેલાં સરવર તરવામાં સાંજ પડી ગઇ

ભાષાનાં ભંગાર ઉપર ઊભાં છે કવિઓ
છંદોનાં દાદર ચડવામાં સાંજ પડી ગઈ

આંખોમાંથી અંધારાનાં ફળ ખરતાં પણ
ફાટેલાં ખિસ્સા ભરવામાં સાંજ પડી ગઈ

તું ઢોલિયા ઢાલી ચાલ્યો દેશ અજાણ્યે
ગઝલોના દીવા ધરવામાં સાંજ પડી ગઈ

                     - અનિલ વાળા