Tuesday, 23 August 2016

કોણ ?

☘☘☘☘☘☘☘☘☘☘

કોણ ?

ડૉ  ભાવેશ જેતપરિયા

કોણ વાર્તા કાલની આજે કહે છે,
કોણ મનમાં રોજ ઊગે-આથમે છે.

ક્યાં વસું છું શું કરું છું કેમ છું હું,
કોણ છે જે આ બધું પૂછી શકે છે.

આ અષાઢી સાંજના એકાંત વચ્ચે,
કોણ મારા તનબદનને ભીંજવે છે.

બારમાસી ફૂલ માફક હર ક્ષણોમાં,
કોણ મારા શ્વાસ શ્વાસે મઘમઘે છે.

જિંદગીમાં એક ઝાંખી યાદ સાથે,
કોણ મારી આંખમાં આવી વસે છે.

પારદર્શક વિસ્મયોનાં અંધકારે,
કોણે રાત્રે સ્વપ્નમાં ભેટી પડે છે.

  ( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )

☘☘☘☘☘☘☘☘☘☘

Sunday, 21 August 2016

ગઝલ

જે ભીતર અજવાશને ઝાંખે
મૌન ધરે,  કાં મંતર ભાખે

ખોટી ઝાલક નાંખી ઝાંપે
જાણ્યું ના તેડેલું કાખે

ભરચક હો તો પણ ના ભાખે
મળશે બસ એકાદું લાખે

હૂંડી લખવાનું છોડી દે
એ ય લખે ના તારી શાખે?

દરવાજેથી ક્યાં આવ્યું છે?
કે રહેશે દરવાજા વાખે

નોંધી લે મળવાનું થાનક
તારે મારે મળવું રાખે

- સ્નેહી પરમાર
(" યદા તદા ગઝલ " માંથી સાભાર)

ગઝલ

ક્ષણોને તોડવા બેસું તો વરસોના વરસ લાગે,
કણોને  જોડવા બેસું તો વરસોના  વરસ લાગે.

હવે તો આભથી બોલાવીએ બે ચાર  વાદળને,
રણો ફંફોસવા બેસું  તો વરસોના વરસ લાગે.

વસાવ્યા એટલા માટે કાયમ તમને હ્રુદયમાં કે,
ફરીથી શોધવા બેસું તો વરસોના વરસ લાગે.

ઝડપથી થાય છે પૂજા ; વળી રહે નામ ભક્તોમાં,
હરીને કોસવા બેસું  તો વરસોના વરસ લાગે.

અમે બે ચાર શબ્દોથી કરી લેશુ સરસ સ્વાગત,
ખજાનો ખોલવા બેસું તો વરસોના વરસ લાગે.

તરહી

ડૉ. મુકેશ જોશી

હું પ્રેમમાં છું

ઠુકરાવો તમે કે મને પ્યાર કરો, હું પ્રેમમાં છું;
જે કરવું હોય એ લગાતાર કરો, હું પ્રેમમાં છું.

નથી બચવાની કોઈ જ આશા, નથી નિરાશા;
હોય જો કોઈ તો સારવાર કરો, હું પ્રેમમાં છું.

નસીબમાં હતું જ ઇશકમાં પાયમાલ થવાનું;
હવે તમે તમારી દરકાર કરો, હું પ્રેમમાં છું.

ન તો રૂબરૂ થયા, ન તો સપનામાં પધાર્યા;
મારા સપનાંને તો સાકાર કરો, હું પ્રેમમાં છું.

તમારી ચાહતથી ય નથી મળતી રાહત મને;
ચાલો, આજે મીઠી તકરાર કરો, હું પ્રેમમાં છું.

નજર નચાવો અથવા નજર બચાવો, સનમ;
ડુબાવી દો આંખોમાં કે પાર કરો, હું પ્રેમમાં છું.

થતા થતા તમને પણ થઈ જશે પ્યાર એક દિ;
મારો તમે થોડો તો એતબાર કરો, હું પ્રેમમાં છું.

દીવાલો સાથે વાત કરું, હસતા હસતા હું રડું;
મારી હાલતનો જરા વિચાર કરો, હું પ્રેમમાં છું.

આ ભવમાં તો દઈ ગયા દગો નટવરને તમે;
આવતા ભવ માટે તો કરાર કરો, હું પ્રેમમાં છું.

-નટવર 'સનમ'