Thursday 29 September 2016

ગીત

અનુસ્વાર

કેમ શંકરના જટાળા મસ્તકે
આ ચળકતું ચાંદનું ટપકું હશે?
ઓસબિંદુ છાનુંમાનું શીદને
પાંદડા ઉપર જઈ બેઠું હશે?

કેમ આ ભમરાનું ગુંજન સાંભળી
પાંખડી ઝૂકી જતી આભારમાં?
એકલાં ને જે અટૂલાં હોય છે
પામતાં શું પૂર્ણતા, અનુસ્વારમાં?

નાસિકાના દંડનો આધાર લઈ
ભ્રૂકુટીના મૂકીને માત્રામરોડ
પેલી જગ્યાએ જ ઘૂંટાવાના કોડ
ગુંજતા રહેવાય જ્યાં શરણાઈ થઈ

શ્યામવનમાં સાંકડી કેડી મળે
રાવટી રોપીને જ્યાં અટકી શકું
ઊના ઊના વાયરાઓ સળવળે
છાકટી એ છોળથી છટકી શકું

બોલને, પ્રતિબિમ્બની ચૂકવી નજર
કંકુપગલે કેશમાં ઓળાઉં કે?
સ્વપ્નમાં સળ જેવું પાડી રીતસર
ઝીણાં ઝરણાંઓમાં ઝબકોળાઉં કે?

જોઈ કોરા કેશ ને કોરું કપાળ
છાને ખૂણે આંખ ભીની થાય છે?
સેંથી પર અનુસ્વાર હોવો જોઈએ?
સાચું કહેજે, તારો શો અભિપ્રાય છે?

~ ઉદયન ઠક્કર

No comments:

Post a Comment