Friday 30 September 2016

ગઝલ

મારે પણ ઝળહળવું થોડું,
અંધારે ટળવળવું  થોડું.

થીજ્યો પર્વત આંસુઓનો,
યાદોમાં ઓગળવું થોડું.

હું આ ક્ષણને ધીમે ઓરું,
જીવતર થોડું, દળવું  થોડું.

ઓશિકે સૂતી ઇચ્છાઓ,
તેથી બસ, સળવળવું  થોડું.

બાજી માંડી સાવ અમસ્તી,
અવળા પાસા, વળવું થોડું.

સંબંધો ભરડો લઈ  ઘેરે,
બોઝિલ, વાસી, ભળવું થોડું.

એકધારું વ્હેવું ત્યાં ખળખળ,
ભીંજાવું, ખળભળવું થોડું.

આજીજી તારે સરનામે,
એમ તથાસ્તુ ફળવું થોડું.

મ્હોરા એટલા, ચ્હેરો ભૂલ્યા,
દર્પણ નામે છળવું થોડું.

                        -ભાર્ગવી  પંડ્યા

No comments:

Post a Comment