Thursday 29 September 2016

ગઝલ

ઓળખીતા ખ્યાલમાંથી બ્હાર આવો!
સાવ, બરછટ છાલમાંથી બ્હાર આવો!

એટલું અઘરું નથી – જીતી જવાનું
છે શરત, કે ઢાલમાંથી બ્હાર આવો!

એક, બીજું વિશ્વ પણ અસ્તિત્ત્વમાં છે
કૂપનાં કંકાલમાંથી, બ્હાર આવો!

છેતરી બહુ જાતને જાતે જ દોસ્તો!
ગોઠવેલાં વ્હાલમાંથી બ્હાર આવો!

કાં કહી દો કંઇ નથી, ને કાં બધું છે
કાં, નપુંસક ખાલમાંથી બ્હાર આવો!

એકપણ ખિસ્સું નથી હોતું કફનમાં
જીવ! માલામાલમાંથી બ્હાર આવો!

શક્ય છે, તમનેય મળશે માર્ગમાં એ
ઝટ કરો, ગઇ કાલમાંથી બ્હાર આવો!!!

        - ડૉ. મહેશ રાવલ

No comments:

Post a Comment