Friday 30 December 2016

અછાંદસ

##હા હું કવિ છું##

હા હું કવિ છું.
શબ્દની સાધનાનો પૂજારી છું,
હું આ જટીલ વિશ્વનો અરીસો છું.
શબ્દોની ધૂણી ધખાવું છું ,  
ને સમાજની વાણીનો ધૂમ છું.
હું શબ્દોને તલવારની જેમ વિંજુ છું,
ને પડકારું છું આ સાહિત્ય ન સમજતા જડોને.

હા હું કવિ છું.
પણ તું ચીતરે એવો હું નથી,
હું મારો પથ પોતે કંડારું છું,
તું હસે છે ,ને મસ્કરી કરે છે!
એ તારી અજ્ઞાનતા નું પ્રતીક છે.
હું તો સરિતા છું નિર્મલ,
તું ગંગાની જેમ મનેય પ્રદુષિત
કરી શું પામીશ ? 

હા હું કવિ છું.
તારા અસ્તિત્વ માટે હું આભારી છું,
ગુલામ હતો ત્યારે યાદ કર !
કેવી સ્વતંત્રતાની આગ જલાવી?
આજે પણ  સૈનિક માં હું ફૂકું હૂંફ છું,
તારા જ હોઠે ગીતો માં ગુંજુ છું.
મીરા ,નરસિંહ, કબીર  ,અખો
છું,
દલપત, કાન્ત, મરીઝ છું,
યાદી એટલી વિશાળ છે મારી,
પ્રાચીન હું ને અર્વાચીન હું છું ?
શું કોને ખોળે તું ?
ગુજરાતના અરે! દુનિયાના ખૂણે ખૂણે હું છું.

હા હું કવિ છું.
કિતાબોના પાને પાને  હું છું.
યાદ કરી જો જરા  હું શું કહેતો હતો ,
ને આજે પણ શું કહું છું!
શબ્દોના દરિયામાં ડૂબી જો
તો સમજાશે કવિ શું કહે છે..
મને તો ગર્વ હતો છે ને રહેશે.

હા હું કવિ છું.
પણ તું કોણ.......

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment