એક સેટાયર ગીત
***ગુરુગીત
ગુરુઓ ગલી-ગલીએ મળે
શિષ્યભાવ તમારો સ્હેજ જો સળવળે
પૂજ્યપાદ,ધધુપપુ-શ્રીશ્રીનો મબલખ ઉગ્યો મોલ
મુક્તિના મારગમાં ભોમિયા ઉંચો વગાડે ઢોલ
ખાતર પર ઘીનાં દીવા બળે
ગુરુઓ ગલી-ગલીએ મળે
ટીવીની ચેનલ પર ચોંટી પાડે બુમબરાડા
'સેવા નામે લઇ લો મેવા' ફંડા સીધાસાદા
'કિરપા'થી બધી આપદા ટળે
ગુરુઓ ગલી-ગલીએ મળે
'અહીંનું અહીંયા રહે' કહી કરે આશ્રમમાં વેપાર
વ્યવસ્થા માટે રાખે 'અંગત' સેવિકા બે-ચાર
ભોગમાં..(સોરી) યોગમાં અંગ અઢારે વળે
ગુરુઓ ગલી-ગલીએ મળે
જ્ઞાનસમજણ સ્વાહા-સ્વાહા,આંખ મીંચી અનુસરો
ધર્મની રક્ષા કરવા માટે દાનપેટીઓ ભરો
સંસ્કૃતિ નામે કામધેનુ આઠે પ્હોર ફળે
ગુરુઓ ગલી-ગલીએ મળે
ચોરાહા પર લાવી કહે: તું તારો મારગ શોધ
'તું તારો દીવો થઇ ઝળહળ' આપે એવો બોધ
સ્વયં જાગે ને જાગતા કરે
સાચા ગુરુ હવે ક્યાં મળે..?
-પ્રકાશ પરમાર(સુરત)
No comments:
Post a Comment