Friday, 12 January 2018

ગઝલ

*ગઝલ* 17N

રસ્તામાં કદી કોઈ મળી જાય અચાનક,
ઊપરથી વળી એ'ય ગમી જાય અચાનક !

આખ્ખા'ય બગીચામાં સતત ઘુમતો ટહુકો,
આવીને તારું નામ પુછી જાય અચાનક.

તારે તો ફકત સ્મિત કરી પાડવું ખંજન !
સમજણ તો બધી મારી ડુબી જાય અચાનક !

ક્યારેક ઉગે પૂર્વમાં તું સૂર્યને બદલે !
સાચે જ દિવસ ત્યારે ઉગી જાય અચાનક !

સામે જ હો મંઝીલ તને મળવાને અધીરી !
એને'ય તું અંગુઠો ધરી જાય અચાનક !

બે-ચાર ક્ષણો આવે સ્મરણ હાથમાં લઈને,
આવીને ગઝલ એજ લખી જાય અચાનક !

ફુટે જો કળી; કોઈ નવું ફુલ ખીલે ત્યાં,
*મન*માંહે સુતું કોઈ ઉઠી જાય અચાનક !

     -ડૉ.મનોજ જોશી 'મન'
         ( જામનગર )

No comments:

Post a Comment