Tuesday 31 January 2017

૪ ગઝલ

ઝૂરવાનું, જાગવાનું ક્યાં સુધી?
દર્દનું તળ તાગવાનું ક્યાં સુધી?

આપવું જો હોય તો એ આપશે,
આ અમારે માગવાનું ક્યાં સુધી?

હા, અણી કાઢીને આવ્યો છે સમય!
વાગશે, પણ વાગવાનું ક્યાં સુધી?

સુખ પણ અબખે પડી જાવાનું દોસ્ત!
આપણું એ લાગવાનું ક્યાં સુધી?

સાવ નિહત્થા અમે સામે ઊભાં!
પણ તમારે દાગવાનું ક્યાં સુધી?

કાળ આદુ ખાઈને પાછળ પડ્યો!
શ્વાસ, તારે ભાગવાનું ક્યાં સુધી?

: હિમલ પંડ્યા

સપના ખોટાં શણગારીને શું કરવાના?
કેડી નોખી કંડારીને શું કરવાના?

બે પળ મોજમાં વીતે છે, વીતી જાવા દયો!
એ ય વિચારો, વિચારીને શું કરવાના?

આગ અધૂરી ઈચ્છાઓની સળગી ભીતર;
ઠારો, પણ એને ઠારીને શું કરવાના?

હાથમાં સહુથી નબળાં પાના આવ્યા છે તો,
બીજાની બાજી ધારીને શું કરવાના?

જીત્યા તો પાછું પહેલાં જેવું જીવવાનું!
હારી જઈએ, તો હારીને શું કરવાના?

જીવન ઝંઝટ લાગે કે લાગે ઝંઝાવાત!
"પાર્થ" કહો કે પરવારીને શું કરવાના?

: હિમલ પંડ્યા

ફેંસલો આ વાતનો થાતો નથી,
તું નથી? કે માત્ર દેખાતો નથી!

જીંદગીભર મેં ય લ્યો, પૂજ્યા કર્યો!
એક પત્થર જીવતો થાતો નથી;

બોજ આ હોવાપણાંનો લઈ ફરો!
આપણાથી એ ય સચવાતો નથી;

લોહી ટપકે એમ ટપકે આંસુઓ,
દર્દ સરખું, રંગ છો રાતો નથી;

રોજ ઈચ્છા થાય મરવાની છતાં,
જીવવાનો મોહ પણ જાતો નથી;

કેટલું ભટક્યા કરો ચારે તરફ!
તો ય પોકેમોન પકડાતો નથી;

: હિમલ પંડ્યા

ગમ્યું એને હંમેશા ચાહતા રહેવાની આદત છે,
નથી ગમતું જે એને આવજો કહેવાની આદત છે;

ગમે તેને, ગમે ત્યારે, ગમે તે સ્પષ્ટ કહેવાની,
પછી જે કંઈ પરિણામો મળે, સહેવાની આદત છે;

નથી મેલું કશું મનમાં તો અચકાવાનું શેનાથી?
મને ક્યાં પીઠ પાછળ કાંઈ પણ કહેવાની આદત છે?

તમાચા સાવ સીધા ગાલ પર ઝીલી લઉં કિન્તુ,
નજર સામે થતું ખોટું નહિ સહેવાની આદત છે;

હતો હું ત્યાં, હું અહિયાં છું અને હું ત્યાં ય પહોંચી જઈશ!
વટાવીને બધા અવરોધને, વહેવાની આદત છે;

આ શબ્દો એટલે મારા બનીને ઠાઠથી રહેતા;
હંમેશાથી મને એના બની રહેવાની આદત છે.

: હિમલ પંડ્યા

No comments:

Post a Comment