Sunday, 27 May 2018

ગીત

હું તો લપસી પડી ઈમાં ,મૂઈ
હરખુડી પાનીયુંને હમજાવ્યું ,ભાળ્ય અલી !મારગમાં ગૂડી છે કૂઈ ..

કોરોમોરો બાઈ ,મારો કમખો ભીંજાણો ,
એના કોરાપણાના વ્રત તૂટ્યા ;
અધકચરી ઊંઘમાંથી ઝબકેલા ઓરતા ,
ઓગળીને ગાંઠથી વછૂટ્યા .
ભીની હોય ભોય ત્યાંથી આઘા રહેવાય કૈક એવું હમજાવતી 'તી ફૂઇ ..

રેલાની જ્યમ હું તો હાલી ઉતાવળી ,
ફળીયુંય કળાય ત્યાં તો ઓરું ;
બાર્યનું તો કીધું ઝૂડી -ઝાટકીને ઠીકઠાક ,
માલીપા કેમ કરું કોરું ?
ઓલવાયા ભાનસાન એવા કે બાઈ ,હું તો ટેરવડે ટાંકી બેઠી તૂઇ ..

ઠાલી પડપૂછ કરે નખ્ખોદિયો વાયરો ,
પાણી ઊંડા કે ઊંડા તળ છે ?
રેલાતી જાઉં હુંતો ઢોળાતી જાઉં હુંતો ,
જાણે કે જાત હવે જળ છે .
તે 'દુની આંગણામાં આવીને બાઈ ,મેંતો વાવી છે ઝીણેરી જૂઈ ..

-- હેમંત ગોહિલ

No comments:

Post a Comment