નિરાંતે એને જો ક્યારેક મળવું હોય તો આવો,
પરમને પામવા બસ, મૌન ધરવું હોય તો આવો!
વિફળતામાંથી શીખ્યો છું ઘણું, એથી કહું છું કે
જો નિષ્ફળતાનું પુસ્તક સાચે ભણવું હોય તો આવો!
નથી બીજું કશું તો કામ જીવનની આ સંધ્યાએ,
ફરીથી સૌ સ્મરણને જો ચગળવું હોય તો આવો!
જો તમને એવું લાગે, કે છે મારું દુખ ઘણું નાનું,
તો મારી સાથે તમને એ બદલવું હોય તો આવો!
ઘણીયે માન્યતા છે આપણી ખોટી જો, પહેલેથી!
નવેસરથી આ જીવનને સમજવું હોય તો આવો!
પ્રણયનો માર્ગ આ બોલાવે છે પાછો કદી તમને,
કોઈ માટે હજી થોડું તડપવું હોય તો આવો!
કૃપા લઈને એ આવી છે તમારી પાસે સામેથી ,
કહે છે આ ગઝલ આજે, ઝળકવું હોય તો આવો!
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment