શ્યામ એકવાર ગોકુળ પધારજો...
રાધાની પીડાનું નામ તમે રાખો તો 'મોરપીંછ સરનામે' રાખજો...
શ્યામ એકવાર ગોકુળ પધારજો...
ઓધવજી સંગ તમે મેલ્યા સંદેશા કે 'કાહ્નાને બધુયે યાદ છે'
જશોદાનું માખણ ને ગોપીના કામણ ને રાધા તો સૌથી અપવાદ છે
તમને તો કુબજાનો લાગ્યો શું રંગ? કદી રાધાની પીડા સંભારજો... શ્યામ એકવાર ગોકુળ પધારજો...
આજે પણ જમનાના નીર હજી સુક્કા છે, સૂનુ છે વૃંદાવન ધામ રે
એવા તે કેવા તમે કીધા હેવાયા કે ડાળ ડાળ ગુંજે છે 'શ્યામ' રે
ગાયોના ધણ હજી ભટકે છે શ્યામ, તમે વાંસળીના સુર છેડી વાળજો...
શ્યામ એકવાર ગોકુળ પધારજો..
ઘેલી ગોપી તો હજી ઝબકે છે મધરાતે, વ્રજમાં રમાય જાણે રાસ રે
એને તો રાચવું છે મનગમતી પીડામાં, છોડીને જગની મરજાદ રે
ૠણાનુંબંધ તમે વીસરી ગયા છો શ્યામ, જન્મોનું સગપણ નિભાવજો...
શ્યામ એકવાર ગોકુળ પધારજો...
........ વર્ષા પ્રજાપતિ ઝરમર
No comments:
Post a Comment