Thursday 23 August 2018

અછાંદસ

ગામની સીમમાં
જ્યાં ચરણ બે પડ્યા
ઉમટયા આંખમાં
કલરવી આંસુડા
ને પછી
છમ્મલીલા થયા શ્વાસ પણ
ઉતરી સામટી યાદ ઘેરી વળી.
દોડતો બાળકો એક નાનો અને
આવી પહોંચ્યા ઘણા ભેરૂ ને ભાંડુઓ
હોય હોળી દીવાળી કે જન્માષ્ટમી
રામ મંદિરની ઝાલરી વાગતી ને નગારાની દાંડી પડે કાનમાં
શંખનો નાદ ઘેરી વળ્યો પલકમાં.
આરતીની શલાકાની જ્યોતિ મહીં
ઝળહળે
બાળપણની ઘણી
વારતા.
વાળુપાણી કરી બાપુજી વાંચતા ધર્મના પુસ્તકો
હોય બા પણ પછી બેસતી બે ઘડી.
બાના અંકે પછી બાળ પોઢી જતો મીઠડી માતનો હાથ પંપાળતો.
હા હવે કોઈ ના ભેરૂ છે
માત કે બાપુજીનો નથી સાદ પણ.
જર્જરીત કાય લઈ
શૂન્યતા સાથ લઈ
આ ઊભુ ઘર મને
બાથ લઈ
આંખને ભીંજવી આવકારે અને
હુંય પણ ખાટ પર
બેસતો
માના પાલવ મહીં હોઉં આળોટતો.
પળ મહીં પાછલી જીંદગી જીવતો.
-રસિક દવે.
  10-08-2018.

No comments:

Post a Comment