Friday 28 September 2018

ગઝલ

સમય આવે સબંધોને કસોટીમાં ઉતારી જો
પ્રથમ ખુદને પિછાણી જો, જરા પડદો હટાવી જો

ઘણી લાંબી મજલ છે જિંદગી, હે દોસ્ત જાળવજે
અહીં સ્વાગત કરે પીડા, પ્રણયપૂર્વક વધાવી જો

બધાને એમ લાગે છે પ્રણયમાં હોય પડવાનું
કૃષ્ણને સાદ આપી જો, જરા રાધે પુકારી જો,

કલા કેવળ કલા છે એ ભલે બદનામ થઇ જાતી
નજરના ખેલ છે રાહી, નજાકતથી મઠારી જો

હૃદયની રાજધાનીમાં હુકૂમત ચાલતી જેની
ખુદાઈ બાદશાહતને નસેનસમા સમાવી જો

ચલો સાબિત કરી દો આતમા મરતો નથી ક્યારેય
મરે છે રોજ માણસમાં, હશે એ શું? વિચારી જો

ખરેખર ધર્મ માણસજાત માટે એક- 'માનવતા'
કહો ઈશ્વર કહો અલ્લાહ, બધા છે એક, ધારી જો
......વર્ષા પ્રજાપતિ ઝરમર

No comments:

Post a Comment