અછાંદસ/ પરિક્રમા
મારી
શ્રવણેન્દ્રીય
પામી શકે છે
તારા પગનાં પાયલ અને કરકંકણના મંઝુલ ધ્વનિને દૂર...દૂરથી....
ઘ્રાણેન્દ્રીય
સૂંઘી શકે છે
તારા પાલવને સ્પર્શી આવતા મહકતા પવનને
કાળના થર ઉપરના થરને વીંધી- ઉપરતળે કરીને.....
દૃશ્યેન્દ્રીય
દેખી શકે છે સાફ સાફ
સંધ્યાકાળે સાગર ઉપર ઊપસતી રંગોની વિધવિધ લીલા
આરપાર
ગુલાબી ઝાંય સરખી તારી ચમકતી ત્વચાની તેજરેખાને....
સ્વાદેન્દ્રીય
ચાખી શકે છે
વિવિધ વાનગીના રસથાળરૂપ ક્ષણોની સ્થગિતતા
સામાસિક એકાગ્રતાથી....
સ્પર્શેન્દ્રીયનિહીત
મારું
શિવત્વરૂપ પૌરુષેય
અને
તારું
ગિરિરાજકન્યા શિવાસ્વરૂપ
સર્ગશક્તિને
જ્યારે
સ્પર્શે છે
ત્યારે
સમસ્ત બ્રહ્માંડ ગતિશીલતાની
ધૂરી પર
આપણને
કેન્દ્ર બનાવી
વિલસિત અને વિકસિત થવા લાગે છે...
ચાલ;
આપણે પંચેન્દ્રીયની પ્રદક્ષિણા કરી
ષષ્ઠેન્દ્રીય મન
અને
હોવાપણાંનું
ઉચ્ચસ્તરીય પરમતત્ત્વમાં પુનઃસ્થાપન કરીએ
ચાલ !
-----ગુણવંત ઉપાધ્યાય
No comments:
Post a Comment