Tuesday 30 October 2018

ગીત

*ચોમાસું*

આખેઆખું આ ચોમાસું વયું જાય ,
ને લોકો તોયે ના ભીંજાય ,
એને ચોમાસું કેમ સમજાય?

જળનો  છે કાગળ   ને વળી જળની બનાવી છે હોડી,
બાથુ  ભરવા દરીયાવને આજ નદીયું એકસામટી  દોડી,
આ સ્વીમિંગ્પૂલમા ન્હાતા ન્હાતા જે લોકો બસ ફાસ્ટ્ફૂડ ખાય,
એને ચોમાસું કેમ સમજાય?

વાદળોએ પર્વતોના કાનમા એવુ તે શું શું કહી દીધું?
કે હડી કાઢતાં પર્વતોએ લ્યો ઝરણાંનું  રૂપ લઇ લીધું.
આ ખળખળ  નદીયુંની કોઈ'દી જેના  બહેરાં કાને ના અથડાય,
એને ચોમાસું કેમ સમજાય?

વ્હાલપનું શમણું એની આંખોમાં કેવું અષાઢ થઇ ખુલે,
ભીનીભીની છોકરીની છાતીએ લથબથ ચોમાસું કંઈ ઝૂલે,
વર્ષાની  દોમદોમ  મસ્તીભરી હેલીમાં અંતરથી   કોરું રહી જાય,
એને ચોમાસુ કેમ સમજાય.?

શૈલેષ પંડ્યા....
*નિશેષ*

No comments:

Post a Comment