Tuesday 26 March 2019

ગઝલ

॥    પાર ન  આવ્યો  ॥
દરિયાઓમાં ડૂબ્યો તોયે પાર ન આવ્યો,
તળિયા લગ હું પૂગ્યો તોયે પાર ન આવ્યો.

વટલાયું છે અજવાળું પણ અંધારામાં,
સૂરજ થઇને ઉગ્યો તોયે પાર ન આવ્યો.

તારી આંખોના કૂવાની અંદર હું તો,
કોષ બનીને ડૂક્યો તોયે પાર ન આવ્યો.

નજરોને ઊંચી રાખેલી સહુની સામે,
એના ચરણે ઝૂક્યો તોયે પાર ન આવ્યો.

દરવાજાની વચ્ચે ઊભો વરરાજો થઇ,
પીડાઓએ પોંખ્યો તોય પાર ન આવ્યો.

ચીરી નાખ્યો,કાપી નાખ્યો, ભાંગ્યો મુજને,
પલ્લાઓમાં મૂક્યો તોયે પાર ન આવ્યો.

જીવનના એ પ્રશ્નોને હું લખવા બેઠો,
હાથ બરાબર દુ:ખ્યો તોયે પાર ન આવ્યો.
                                    -જિજ્ઞેશ વાળા

No comments:

Post a Comment