Wednesday, 7 September 2016

ગઝલ

હું  રડું ને આંસુ એની આંખમાં એ માવલડી,
હું  હસું ને  હેત એની આંખમાં એ માવલડી .

સાંભળીને  આહ મારી  એક શ્વાસે  દોડતી,
કાળજું  કૂણું લઈને  હાથમાં  એ  માવલડી .

રૂપકો રૂડાં નથી  એના  શબ્દના  રંગમાં,
છે  મધૂરી મીઠડી એ વાતમાં  એ  માવલડી.

ઓઢણી એની ભલે  મેલી  હતી  ઘેલી  હતી,
રાખતી  એ ચાંદ શીતળ  ભાતમાં એ  માવલડી.

છે  બધા જ્યાં એકસાથે  વીંઝણા સૌ  હેતના,
રાજગાદી  લાડલાની  કાખમાં એ માવલડી.

હો  ભલે  લાખો  સિતારા રાતના  આકાશમાં,
વ્હાલ ભીનો ચાંદ  મારી  સાથમાં  એ માવલડી.

ના મળે કો' વાત ક્યારે  એ મુખે કડવાશની,
હેતની મીઠાશ એની  જાતમાં  એ માવલડી.
'દાજી '

No comments:

Post a Comment