Thursday, 1 September 2016

એક આળું ગીત

એક આળું ગીત

ચૈતરની ડાળીએ હિંચકો રે બાંધ્યો
એનાં હલ્લેસાં છાતીમાં વાગ્યા હબ્બેસ
મૂંઇ ,હું તો મોગરો બનું કે બનું જૂઇ ?

ધડધડ ધબકારા ઊંચા-નીચાં ચીતરાયા
પાણીનાં રેલાં શી વહેતી રે કાયા
હું તો ટગલી ટચાક્ જેવી નાજુકડી નાર
મારાં લાંબા થિયાં રે પડછાયા !

આંધળી ભીંતોને પછી આંખો ફૂટી
જુએ ખીંટીએ ટીંગાતો ટગર ખેસ...
મૂંઇ, હું તો મોગરો બનું કે બનું જૂઇ ?

પાલવ અડે ને થાય ઉઝરડાં લોહીઝાણ
જાણ એની કોઇને ક્યાં જાણ ?
સપનાં સંધ્રુકી હું તો રાંધું કંસાર
આપે મોતીડાં એનાં પરમાણ...

મારાં ફળિયાએ વેર જૂનું લીધું રે લોલ
મેં જ મુંને ઠેબે ચડાવી હંમેશ...
મૂંઇ, હું તો મોગરો બનું કે બનું જૂઇ ?

                        -અનિલ વાળા

No comments:

Post a Comment