Friday 30 September 2016

અછાંદસ

***વાંજિયામેણું***
રાત મધરાત થાય ને વેણ ઉપડે,
કવિતાની, વાર્તાની
ને વળી ઉંઘ?
એનો દુઃખાવો અલગ,
શું કરું સમજાય નહિ,
પણ જ્યારે દુઃખાવો વધે એટલે જવું જ પડે,
કાગળ કલમ પાસે, દોડતા,
જમણાં હાથની આંગળીઓ થથરવા લાગે,
જાણે કે મા ના પગ થથરે બાળકને જન્મ દેતી વખતે,
પણ હું થોડી દેવકી છું કે સ્ત્રી છું?
હું થોડી જન્મ આપી શકું?
પણ તો ય જન્મ આપવો પડે,
જમાનાનાં સિધ્ધાંતને અવગણી,
ને પછી અવતરે,
એક કવિતા કે વાર્તા,

પણ,
નવજાત કૃષ્ણ થોડી છે!!
છતાં વાસુદેવ માફક ટોપલીમાં લઈ નીકળું,
કવિ, લેખકોનાં ધોધમાર વરસાદ વચ્ચે,
પણ નવજાત કૃષ્ણ થોડી છે!!
જેનાં પગ અડતા જ વોટ્સ એપની યમુના નદી રસ્તો આપે,
અને સાથે કોઈ શેષનાગ પણ નથી,
જે મારા નવજતની રક્ષા કરે,
જુથવાદથી, આલોચકોથી....
અને મારું નવજાત વોટ્સ એપમાં તણાઈ જાય,
મરી જાય,
અને ફરી થી બની જાઉં, હું વાંજિયો...

મેહુલ પડિયા

No comments:

Post a Comment