Saturday, 1 October 2016

ગીત

બોલો બાપુ શું કહેવું છે ?
(વાંસલડી ડોટ કોમ. માંથી)

ધગધગતા સૂરજની સાખે, બળબળતી રેતીની આંખે, મારે ખળખળખળ વહેવું છે.
બોલો બાપુ  શું કહેવું છે ?
શું કહેવું છે ? ઇચ્છાઓને તોલી શકશો ? બંધ હોઠથી બોલી શકશો ?
દ્વાર હૃદયના ખોલી શકશો ? સાચું કહું એમાં રહેવું છે.
બોલો બાપુ  શું કહેવું છે ?
 
જળની ઐસી તૈસી,બંદા બાવળની મસ્તીથી ઊગે !
સ્થળની ઐસી તૈસી બંદા હવા બનીને સઘળે પુગે !
એકી શ્વાસે બંદાને આખાય વિશ્વને પળભરમાં ચાહી લેવું છે.
બોલો બાપુ  શું કહેવું છે ?

મ્હેંદીનું ઘૂંટાવું થોડું,પંખીનું વીંધાવું થોડું, ઘાણીમાં પીલાવું થોડું,
ખીલે ક્યાંક જડાવું થોડું, થોડું થોડું બધુ મિલાવી ઘૂંટી ઘૂંટી-
એમાંથી જે દર્દ નીકળે હસતાં રમતાં એ સહેવું છે.
બોલો બાપુ  શું કહેવું છે ?

જળની વાતો સ્મરતાં સ્મરતાં રણને એવું સપનું આવ્યું ,
જળના દેશે જઈને એણે જળનું એક નગર બંધાવ્યું ,
જળનું ઘર ને જળનું આંગણ,જળના ક્યારે જળને વાવ્યું ,
જળની વચ્ચોવચ્ચ રહીને જળના ભીના ભીના હાથે
જે કંઇ કોરું કરી એકઠું ભડભડભડ ચાંપી દેવું છે .
બોલો બાપુ  શું કહેવું છે ?

ધરબી ધરબી નક્કર જીવે,ખોબે સાત સમંદર પીવે,ઝબકારે જીવતરને સીવે,
ને પ્રભાત ને તરતુ મૂકે આખી રાત વલોવી દીવે,
એ લોકોની સાથે સાથે મારું પણ એના જેવું છે.
બોલો બાપુ  શું કહેવું છે ?

હું તળથી ટોચે વ્હેનારો,ખંજરની ધારે રહેનારો ને ચુપચાપ બધું જોનારો,
મારે ક્યાં કૈં સાંભળવું છે ને મારે ક્યાં કૈં કહેવું છે !
બોલો બાપુ  શું કહેવું છે ?

કૃષ્ણ  દવે.

No comments:

Post a Comment