~~ સુખ ભાગીયું ~~
લાખ લાખ લીટીએ લખ્યા કર્યું તોયે લખ્યું ન લેખે કંઈ લાગીયું
વળતી પળે સુખ ભાગીયું..
પાનીમાં ખૂંચ્યા છે ઝાંઝરીયા કાંટાને
બટકેલી અચરજના ટુકડા
જમણે અંગુઠે ઠરીને જે બેઠા'તા
થાકોડા થઈ ગ્યા અધૂકડા
લેણાદેણીની સૌ ગાંસડીયું છોડીને પરભવનું પોટલું છે બાંધીયું
વળતી પળે સુખ ભાગીયું..
આંખના રતનસમા સોણલા ઓલાયાને
નંદવાણી દખણાદી કોર
જમણી હથેળીમાં ઉગી નીકળ્યા છે હવે
બાર બાર હાથલિયા થોર
હૈયાના હેમાળા ગાળી ગાળીને અમે માંડમાંડ સરગને સાંધીયું
વળતી પળે સુખ ભાગીયું..
~~ રાજુલ
No comments:
Post a Comment