Friday 30 December 2016

ગીત

વરસે ફોરાં, અાજ ફરી પાછાં વરસે ફોરાં,
અાજ પ્રિયે ! પાછાં વરસે ફોરાં,
જેમ વિદાયની વેળ ઝમ્યાં’તાં નેણ તારાં બે શામળાં ગોરાં !
અાજ ફરી પાછાં વરસે ફોરાં.

કંઠને ભીડી બાથ તારા હાથ વળગ્યા’તા, ભોળી !
ને પગ નીચેની ધૂળમાં કેવી બેઠી હતી તું નેણવાં ઢોળી !
સૌરભભીની રેણ ને અાપણા ભીંજતાં’તાં બેય કાળજે-કોરાં !

ઢળું ઢળું તારી પાંપણો જેવી અાખરી ટીપું ખાળતાં ચૂકી,
નખરાળી ત્યાં એક સૂકી લટ ઉપરથી જાણે ઝીલવા ઝૂકી !
મૌનનાં ગાણાં ગાઈ થાકેલા હોઠ તારા જ્યાં ઊઘડ્યા કે
મેં હળવે કેવા પી લીધા’તા વેણ-કટોરા !
અાજ ફરી પાછાં વરસે ફોરાં.

મનને મારે ખોરડે અાજેય ચૂવતી જાણે અાંખડી તારી,
(ને) ધીમે ધીમે જાણે વચલી વેળની ધૂળ ધોવાતી જાય અકારી;
અાપણો મેળ એ નેણને નાતે
વેણ ઠાલાં શીદ વાપરી કે’વું − અાવજો અોરાં !

− ગુલામ મોહમ્મદ શેખ

No comments:

Post a Comment