Friday, 6 January 2017

ગીત

*ઓછાયાનો ઓથાર

ઓછાયો પડતા તો ઝબકી જવાય -
અને ભણકારે ભડકી જવાય છે....
કેમ સખી, હમણાંથી એવું કંઈ થાય છે !!!

માડીએ જાળવીને રાખવા કહેલું તે -
પીગળતું તડકાનું મીણ,
ટેકરીયું ટોચ લગી ઊંચકાતી જાય અને
ઊંડી થઈ જાય કાંઈ ખીણ !
પડધો પથરાય અને ભુક્કો થવાય -
વળી ચણભણ અણજાણી સુણાય છે,
કેમ સખી, હમણાંથી એવું કંઈ થાય છે  !

દાંતમાં દબાવીને રાખું ને તોય સખી
ઓઢણિયે વાયરો ભરાય,
ફંગોળે - રગદોળે વાસંતી વાયરો ને
એમાં એ મેલી થઈ જાય,
અડકે જ્યાં વાયરો ત્યાં ઝરડા ઘસાય -
અને ઢાંક્યાં ના ઢાંકી શકાય છે.....
કેમ સખી, હમણાંથી એવું કૈ થાય છે !!

વિજય રાજ્યગુરુ

No comments:

Post a Comment