Tuesday 28 February 2017

ગઝલ

જાતની સાથે જરા વાંકું પડ્યું છે,
એક સપનું જ્યારથી પાછું પડ્યું છે;

હું પડ્યો છું એક ખૂણે એ જ રીતે,
જેમ આ ગઈ કાલનું છાપું પડ્યું છે!

'એકલો તું થઈ જવાનો સાવ, જોજે!'
તેં જતી વેળા કહ્યું, સાચું પડ્યું છે;

એ રફૂ કરવાથી સંધાશે ખરું ને?
આપણાં સંબંધમાં ફાંકું પડ્યું છે!

કેટલી વરસ્યા કરે છે એકધારી!
આંખમાં આખું ય ચોમાસું પડ્યું છે?

લાશ દિકરાની ખભે ઊંચકી છે એણે;
આજ એને માથે આભ આખું પડ્યું છે!

: હિમલ પંડ્યા

No comments:

Post a Comment