એ મને ખેંચી રહ્યા છે વાતમાંથી વાતમાં
એમ લાગે છે કશું શોધે છે મારા હાલમાં
માત્ર તે તો સાંભળ્યું છે બોલનારાઓ વિશે
કૈંક લોકો છે અહીં જે સાંભળે છે દાઢમાં !
કોતરેલા એક જૂનાં નામને ભૂંસ્યું જરા
ત્યાં જ કંપનનો અનુભવ થઈ રહ્યો છે ઝાડમાં
લઈ ગયો એક હાથથી એ ઝુંટવીને જેટલું
એ બધું લઈ જઈ પછી મૂકે છે બીજા હાથમાં !
એટલે વારે ઘડીએ આંસુને છાંટ્યા કરું
એક વેળા લાવવી છે જિંદગીને ભાનમાં
એને સમજાવો કોઈ કે આગ પોતે છે અભણ
જે પરીક્ષા આપવા કૂદી પડે છે આગમાં
-ભાવેશ ભટ્ટ
No comments:
Post a Comment