Friday 12 January 2018

ગીત

કાન.... !
હૈયામાં કોતરાયેલું કામણગારુ નામ એટલે *"કૃષ્ણ"*
કાન કહું કે કાનજી,  ક્રિષ્ના કહું કે શ્યામ......આ માધવના છે કંઈ કેટલાય  નામ.
ક્યાં ક્યાં કંડારાયેલ છે કાન્હાની યાદો.....કૂંજગલીઓમાં....વાંસલડીના રેલાતા નાદમાં... યમુનાના ખળખળ વહેતા પ્રવાહમાં....કદમની ઝૂલતી ડાળમા.... ગોંદરે ભાંભરતી  ગાવલડીમાં.... ગોપ-ગોપીઓના ગીતોમાં..... ને હા પેલી... ઘેલી રાધાના  રુદીયામાં.....
મખમલી મોરપીંછના રંગોમાં  મ્હોરી ઊઠતું ને
મધુવનના મોરલાઓને ટહૂકે ગુંજતું મધમીઠું નામ એટલે શ્યામ........એથી જ તો કવિઓના ગીતોમાં મનમૂકીને ગવાતું રહે છે આ ગિરિધરનું નામ.......

તો માણીએ કૃષ્ણ વિના પણ કૃષ્ણમય કરી દે એવું આ ગીત.............

*બંસીના બોલ મને સાંભરે.... (ગીત)*

તારી યાદોમાં બેઠી છું ભૂલી સાન-ભાન રે
કાન..! તારી બંસીના બોલ મને સાંભરે!

સૂની પડી છે વૃંદાવન ગલીઓ ને,
           સૂનું  આ ગોકુળીયું  ગામ ;
પૂછે છે પાન - પાન કુંજગલી કેરા,
           ક્યાં રે ખોવાયા ઘનશ્યામ.

યમુનાને તીર ઊભા ધેનુંના ધણ તને ભાંભરે,
કાન !  તારી  બંસીના  બોલ  મને  સાંભરે!

સૂતેલી ગોપીયું શયનભુવનમાં,
      એને  નીંદરડી નેણલે ના આવતી;
શ્યામ.. તારા સોણલાં બહુ રે સતાવે,
      ને  રાતલડી  યાદ  ભરી  લાવતી.

રમવાને રાસ  ઘેલી રાધા  કરે તને  સાદ રે
કાન !  તારી  બંસીના બોલ મને સાંભરે!

મખમલી મોરપીંછ મેલ્યા મધુવનમાં ને,
     કાન! વીસર્યા છો વેણુના નાદ રે
વાટલડી જોઇ જોઇ થાકી આંખલડી
      ફરી આવી ના ગોકુળની યાદ રે

વિરહને વાયરે  ઝૂરતી  કદંબ  કેરી ડાળ રે
કાન !  તારી  બંસીના બોલ મને  સાંભરે!

   *~મનન_MD*
    (મનુ.વી.ઠાકોર)

*(Pic- નલિન સૂચક)*

No comments:

Post a Comment