થાક લાગ્યો છે હવે તો શ્વાસ લેવા દે,
જીવતરને મોતનો અહેસાસ લેવા દે.
શું હશે મનની દશા જો એ હશે પાસે,
એ પળોનો આ પળે આભાસ લેવા દે.
ચોતરફ અંધાર ફેલાયો નિરાશાનો,
આશનું એક જ કિરણ,અજવાસ લેવા દે.
જિંદગીભર જિંદગીએ ક્યાસ કાઢ્યો છે,
ઓ ખુદા આ જિંદગીનો ક્યાસ લેવા દે.
કૃષ્ણ પણ જોયા કરે બસ ભાન ભૂલીને,
આજતો એવો મને કંઈ રાસ લેવા દે.
આ ગઝલનો છંદ બેસે મેળમાં એથી,
લઘુગુરુમાં સ્હેજ તો અવકાશ લેવા દે.
કોઈ નહિ આવે હવે બસ એટલા માટે,
ચાલ પોતાના ખભે નિજ લાશ લેવા દે.
આ ભરી મહેફિલ મને 'તન્હા' જ રાખી ગઈ,
બસ હવે તનહાઈનો સહવાસ લેવા દે.
ડો. સુજ્ઞેષ પરમાર 'તન્હા'
No comments:
Post a Comment