Thursday 23 August 2018

ગીત


રીમઝીમ રીમઝીમ, શ્રાવણ આવ્યો રે,
મોંઘાં મોંઘાં મોતી લાવ્યો,
સાગરમાંથી ગોતી લાવ્યો,
મનમોહન ઘનશ્યામ મુરલીએ,
સૂર વહાવ્યો રે..
– શ્રાવણ આવ્યો રે.

કો મધરાતે છાનો આવ્યો,
કોઈ દિવસ છતરાયો રે;
લીલો હરિયાળો ગાલીચો,
વનવગડે પથરાયો રે,
જલસ્થળ સઘળે, જનગણહ્રદયે,
સાગરજલ છલકાવ્યો રે..
– શ્રાવણ આવ્યો રે.

જળભીની વાદળીઓ લાવ્યો,
આકાશે ઊભરાયો રે,
કાળીધોળી ચરતી ફરતી, ગોકુળ ગગને ગાયો રે,
સરર સરર સર્ જલ વરસાવે,
સમમ સમમ સમ્ વીજ ચમકાવે,
ધડક ધિનક ધિન્  તાલ બજાવ્યો રે..
– શ્રાવણ આવ્યો રે.

સાવ સુંવાળો તડકો લાવ્યો,
શીતળ લાવ્યો છાંયો રે,
મીઠા કંઠે મેઘ મલ્હારો,
મનભર મોરે ગાયો રે.
વનવનમાં પડઘાઓ ગાજે,
પશુ પંખી માનવ સહુ રાચે;
થનક થિનક થિન નાચ નચાવ્યો રે..
– શ્રાવણ આવ્યો રે.

– મિનપીયાસી

No comments:

Post a Comment