Tuesday 30 October 2018

ગઝલ

આપણેય સજણ કેવાક ભેરૂ શોધવા નીકળ્યાં,
નથી પગભર હજી,એનાં પગેરું શોધવા નીકળ્યાં!

લગાડી હળદરી લેપો, ને માંગી ચંદની મહેંકો
ધરી મ્હેંદી હથેળી રંગ ગેરૂ શોધવા નીકળ્યાં!

પછાડ્યાં ચંદ્ર પર પગલાં,ને ડહોળ્યા કેટલા દરિયા,
સહારા શબ્દનાં લઈ મૌન ઘેરું શોધવા નીકળ્યાં!

ઉતાર્યાં વસ્ત્ર પહેરી બહુ, લીધી-છોડી કંઈ દીક્ષા,
ભર્યા મંદિર મહીં ગુમનામ દે્રું શોધવા નીકળ્યાં!

હતા સામે જ તો ચેહરા, નગર ને દ્રશ્ય ગમતીલાં,
મીંચી પાંપણ છતાં સપનું અનેરું શોધવા નીકળ્યાં!

-- ડો.ગુરુદત્ત ઠક્કર.

No comments:

Post a Comment