Monday 25 March 2019

ગઝલ

નથી ગીત કે ગઝલ,થાય ઈ તોડી લેવું,
ફાંફાંની આ ફસલ થાય ઈ તોડી લેવું.

નથી અરુઝની ભાન છંદની સગલી થા માં,
આડોડાઈ અસલ, થાય ઈ તોડી લેવું.

રાખ બધી હુશિયારી તું તારાં ખિસ્સામાં,
નથી તો નથી અક્કલ થાય ઈ તોડી લેવું.

જે ચોંટી ગ્યું મનમાં એનાં ગીત બનાવ્યાં,
નકલ કહો તો નકલ થાય ઈ તોડી લેવું.

કાવ્યતત્ત્વ ને કવિકર્મની હમણાં કહું ઈ,
અવળો પીધો અમલ થાય ઈ તોડી લેવું.

જામ ઈશ્ક અલ્લા લૈલા જોશે ને જોશે,
પોસાશે નહિં દખલ થાય ઈ તોડી લેવું.

મંદિર મસ્જિદ પંડિત મુલ્લા ગાળ્યું ખાશે,
તીખી થઈ છે ટસલ થાય ઈ તોડી લેવું.

ઉર્દુ હિન્દી ગુજરાતી ઈંગ્લીશ પણ આવે,
મસ્તી છે આ મથલ થાય ઈ તોડી લેવું.

તું કે તારો ઈશ્વર કઈ વાડીનો મૂળો?
બદલી એની શિકલ થાય ઈ તોડી લેવું.

શ્વાસ ઘૂંટી ઘૂંટીને જણ્યાં આ ગીતોને,
ખોટી તારી ખરલ થાય ઈ તોડી લેવું.

મુરધન સુરધન કાંઈ નથી,હું શું છું જાણશ?
ઊઠિયાણોમાં અવલ થાય ઈ તોડી લેવું.

હવે સુધારો શુ આવાનો રેવા દેજે,
વંઠી ગ્યો છે વિરલ, થાય ઈ તોડી લેવું.

વિરલ શુક્લ
----------------------------------------

No comments:

Post a Comment