Tuesday 26 March 2019

ગઝલ

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી ! આવળબાવળ રમીએ.

બાળ-સહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈયે મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલે ને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનાંમાનાં મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીયે સ્વપ્નાંઓ,
પ્રારબ્ધિ પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હું ય ‘ગની’, નીકળ્યો છું લઈને આખોમાખો સુરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

ગની દહીવાલા

No comments:

Post a Comment