Tuesday 26 March 2019

ગઝલ

કાચના ઘરમાં વસેલા આદમીને આંગળી પકડી અને ફૂલો બતાવો,
ભવ્યતાને વશ થયેલા આદમીને અ‍ાંગળી પકડી અને ફૂલો બતાવો.

સર્વ ભૂલાઇ ગયું છે , બાગ કેવાં?, ઝાડ કેવા?,છાંયડા કેવા હશે તે?
આ બનાવટથી ભરેલા આદમીને આંગળી પકડી અને ફૂલો બતાવો.

શક્ય છે કે હાથમાં રાખેલ લોખંડી કુહાડો ઓગળીને થાય દરિયો,
થોરને કાપી રહેલા આદમીને આંગળી પકડી અને ફૂલો બતાવો.

સાવ રઘવાયો થયો છે, લાગણીને પથ્થરો મારીને મારી નાખશે,
ક્રોધથી રાતા થયેલાં  આદમીને આંગળી પકડી અને ફૂલો બતાવો.

ખૂબ તે ખૂંપી ગયો છે આમ તો સંસારની અંદર છતાં પણ ચાલશે,
એક માયાજાળ ઘેલા આદમીને આંગળી પકડી અને ફૂલો બતાવો.
                                                        -જિજ્ઞેશ વાળા

No comments:

Post a Comment