એટલે સૂરજ બળીને ખાખ થઈ ગ્યો,
એક દીવો રાત માટે ખાસ થઈ ગ્યો.
તારું મળવું, તો તરસને સાંત્વના પણ,
આ વિરહતો જેઠ, લો આષાઢ થઈ ગ્યો.
જે સમયને મેં મલમ સમજી લગાડ્યો,
સાથ છૂટતા એ જ ઊંડો ઘાવ થઈ ગ્યો.
આયનામાં દબદબો તડનો વધ્યો, તો,
એક ચહેરો એકદમ ઉપહાસ થઈ ગયો.
જીરવી ગ્યા ભાર હળવેથી દગાનો,
ભાર પણ આભારનો હદપાર થઈ ગ્યો.
તાપમાં સાથે હતો જે, સાંજ પડતા,
એ જ પડછાયો ફરી નારાજ થઈ ગ્યો.
જે વફાની વાત કરતો'તો હમેશાં,
સાંભળ્યું છે એ હવે બરબાદ થઈ ગ્યો.
જિંદગીમાં એ કદી ઝૂક્યો નહીં પણ,
શ્વાસ તૂટ્યા, ને અચેતન લાશ થઈ ગ્યો.
-- દિલીપ ચાવડા 'દિલુ' સુરત
No comments:
Post a Comment