Friday 30 September 2016

ગીત

ધીંગાણું

બાપુના ગઢમાં બધી જણસ છે, બે વાતની ખોટ છે
પહેલું તો  કે' યુદ્ધ થાય નહીં, બીજું ફાટલો કોટ છે
શિરોહી  તલવારનું  લટકવું  વર્ષો  જૂનું   ખીંટીએ
ને ફાટ્યો છે કોટ  કાળબળથી આડી ઊભી લીંટીએ

બાપુ  કહેતા : ‘નોતરાં દઈ દઉં  દેમાર બારોટને
શત્રુ મારું - એમ આજ બખિયા મારી દઉં કોટને'
દોરા સોતી સોયથી પલકમાં દારુણ હલ્લો કર્યોને
બાપુએ  કોટને  કસબથી  કાતિલ  ટેભો   ભર્યો

ત્યાં તો 'લોહી' એમ ચીસ સહસા પાડી ઊઠી આંગળી
ને   બાપુના  ટેરવે   રગતની   શેડ્યું   ફૂટી   નીકળી
'ખમ્મા, ખમ્મા બાપ…' એમ કહીને  બાપુ કરે હાકલા
ખીંટીથી   તલવારને   લઈ   કરે  લોહી  વડે  ચાંદલા

થાતું   બાપુને :  બહુ  શુકનવંતો  આપણો  કોટ  છે
કિંતુ એક જ ખોટ, આજ અહીં ના એક્કેય બારોટ છે
- રમેશ પારેખ

No comments:

Post a Comment