Friday, 28 October 2016

ચોઘડિયાનું ગીત

સાત દિવસના ,આઠ પ્રહરના ..
બદલાતા વારના ,બદલાતા રાત દિવસના ..
પ્રીતમ મેં જોયા છે આપણા ચોઘડિયા !!!

નજર થી મળી 'તી નજર તારી-મારી ...
ને પ્રગટી 'તી દિલમાં કોઈ ચિનગારી ..
પ્રીતમ મેં જોયું'તું 'શુભ' નું ચોઘડિયું !!!
તું હી તું નું રટણ હર પલ હતું ...
ને વિસરાઈ ગયું 'તું સાનભાન ...
ત્યારે વૈદોએ ભાખ્યું 'તું 'રોગ ' ચોઘડિયું !!!!

આપવાને આલિંગન દોડી તું આવતો,
ને ઘડીક અટકીને હૃદયે લગાવતો ..
ત્યારે મેં જાણ્યું 'તું 'લાભ' નું ચોઘડિયું !!
મીઠી વાણી ને મીઠા વર્તન થી ..
ભીંજવી જતો 'તો મારા તનમન ..
ત્યારે મેં માણ્યું 'તું 'અમૃત 'ચોઘડિયું !!!

મારે તે આંગણે પ્રીતિ નો પાવો ..
ને વાગ્યા 'તા શરણાઈ ને ઢોલ ...
ત્યારે મેં સાંભળ્યું 'તું 'ચલ 'નું ચોઘડિયું !!!
સંસારના લય માં પડતી ખલેલ ..
ને વિસરાતા સુર ને તાલ ..
ત્યારે મેં અનુભવ્યું 'તું 'ઉદ્વેગ 'ચોઘડિયું !!!

આજે સામસામે કિનારે ઊભા રહી ..
શોધતા વીતેલી પળોની છીપ ..
સમયે આપ્યું કેવું 'કાળ 'નું ચોઘડિયું !!!
તારા હોવાના 'સૂર્યોદય'થી લઈને ..
તારા ખોવાયાના 'સુર્યાસ્ત' સુધી ..
પ્રીતમ મેં જોયા છે આપણા ચોઘડિયા !!!

ઉષા પંડ્યા .

No comments:

Post a Comment