રંગ જેવું લાગશે,
રોગાન જેવું લાગશે,
આવ મારા શ્વાસમાં,
લોબાન જેવું લાગશે.
તું અગર દીદાર દઇદે,
ઈદ મારી થઇ જશે,
જાનને મારી સનમ
રમજાન જેવું લાગશે.
કોક 'દિ બોલેલું પાળી
દાખલો બેસાડજો,
ઈશ્કમાં અમને જરા
ઈમાન જેવું લાગશે.
આપ જો સાડી પહેરીને
મળો પરદેશમાં,
મા કસમ ! આ દિલને
હિન્દુસ્તાન જેવું લાગશે.
આંસુ આવ્યું તો પછી
એને રવાના કર હવે,
બહાર ઉભું-ઉભું એ
દરવાન જેવું લાગશે.
એક દિવસ તુંય જોજે
ઇશ્ક કરતો થઇ જશે,
અય ખુદા ! જયારે તને
ઈન્સાન જેવું લાગશે.
આવ, બેસીજો ગઝલની ગાદીએ
તું પણ 'નિનાદ',
બે ઘડી તો બે ઘડી
સુલતાન જેવું લાગશે !
~ નિનાદ અધ્યારુ.
No comments:
Post a Comment